Education for Every

અષાઢી બીજ (રથયાત્રા), કચ્છી નવું વર્ષ


અષાઢી બીજ (રથયાત્રા), કચ્છી નવું વર્ષ






અષાઢી બીજ (રથયાત્રા), કચ્છી નવું વર્ષ


રથયાત્રા તે ભગવાન જગન્નાથ, બલરામ અને સુભદ્રા સાથે સંકળાયેલો એક હિંદુ તહેવાર છે, જે ભારતભરમાં ગુજરાતી પંચાંગ પ્રમાણે અષાઢ સુદ બીજને દિવસે મનાવવામાં આવે છે. ભગવાન જગન્નાથનું મુળ મંદિર ઓરિસ્સાનાં જગન્નાથ પુરી શહેરમાં આવેલું છે. હરરોજ ભક્તોએ ભગવાનનાં દર્શન કરવા ભગવાન પાસે જવું પડે છે, પરંતુ રથયાત્રાનાં દિવસે ભગવાન સ્વયં સામે ચાલીને પોતાના ભક્તો પાસે જાય છે.

જગન્નાથપુરીમાં રથયાત્રા, ઇ.સ. ૧૯૦૭

શરૂઆત અષાઢ સુદ બીજ

અંતઅષાઢ સુદ દસમ


કથા:-


ભગવાન કૃષ્ણ તેમના ભાઈ ભગવાન બલરામ સાથે દ્વારકાની બહાર ગયા હતા. ત્યારે કૃષ્ણ ભગવાનની ૧૬૧૦૮ રાણીઓએ રોહિણી માતાને (બલરામની માતા) પુછ્યુ કે અમે કૃષ્ણ ભગવાનની આટલી સેવા કરીએ છે છતા કૃષ્ણ ભગવાન આખો દિવસ રાધાનું નામ કેમ લે છે. ત્યારે રોહિણી માતા બોલ્યા જો કૃષ્ણ અને બલરામ રાજમહેલમા ન પ્રવેશે તો હું કહું. રાણીઓએ વિચાર કરીને સુભદ્રાને દરવાજાની બહાર ધ્યાન રાખવા ઉભા રાખ્યા અને કહ્યુ કે કોઇને અંદર પ્રવેશવા ન દેતા. પછી રોહિણી માતાએ કથા ચાલુ કરી. સુભદ્રા દરવાજા પર કાન રાખીને અંદરની કથા સાંભળવા લાગ્યા. ત્યારે કૃષ્ણ અને બલરામ પાછા આવ્યા તો એમણે જોયુ કે સુભદ્રા દરવાજા પર કાન રાખીને ઉભા છે.

 કૃષ્ણ અને બલરામ રાજમહેલમાં પ્રવેશવા ગયા તો સુભદ્રાએ તેમને રોક્યા. તો કૃષ્ણ અને બલરામ સુભદ્રાની જેમ દરવાજા પર કાન રાખીને અંદરની કથા સાંભળવા લાગ્યા. ત્યારે અચાનક ભક્તિના ભાવને લીધે ત્રણેના હાથ અને પગ સંકોચાવા માંડ્યા અને આંખો મોટી થવા માંડી. ત્યારે કૃષ્ણ ભગવાનને મળવા નારદ મુનિ દ્વારકા આવ્યા તો તેમણે જોયુ કે કૃષ્ણ ભગવાનના હાથ અને પગ સંકોચાઇ ગયા હતા અને આંખો મોટી થઈ ગઈ હતી. નારદ મુનિએ કૃષ્ણ ભગવાનને કહ્યું કે તમારુ આ રૂપ જગતને બતાવો. તો કૃષ્ણ ભગવાને નારદ મુનિને આ રૂપ ત્રેતાયુગમાં જગતને બતાવવાનુ વચન આપ્યુ


ભારતમાં રથયાત્રા:-

ભારતમાં મુખ્ય રથયાત્રા જગન્નાથ પુરીની રથયાત્રા છે, આ ઉપરાંત અનેક શહેરોમાં આ જ દિવસે રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે. ગુજરાતમાં અમદાવાદનાં જગન્નાથ મંદિરેથી નીકળતી રથયાત્રા ગુજરાતની સૌથી મોટી રથયાત્રા છે, બીજા ક્રમે વડોદરામાં ઇસ્કોન દ્વારા આયોજીત થતી રથયાત્રાને ગણાવી શકાય.આ સિવાય સુરતમાં પણ ઇસ્કોન દ્વારા આ જ દિવસે રથયાત્રાનું આયોજન મોટે ભાગે દર વર્ષે કરવામાં આવે છે.

જગન્નાથ (કૃષ્ણ), સુભદ્રા અને બલરામની મૂર્તિઓનું જગન્નાથ મંદિરમાં તો આખું વર્ષ પૂજન અર્ચન કરાય જ છે પણ વર્ષમાં એક વખત, અષાઢી બીજના દિવસે, ત્રણે મૂર્તિઓને મોટા મોટા રથમાં પધરાવી બડા ડન્ડા તરીકે ઓળખાતી પુરીની મુખ્ય બજારમાં થઈ આશરે ત્રણ કિ.મી. દૂર સ્થિત ગુંડિચા મંદિરે લવાય છે અને જાહેર જનતાને દર્શનનો લાભ આપવામાં આવે છે. આ તહેવાર "રથયાત્રા" તરીકે ઓળખાય છે. આ રથ ખુબ જ મોટાં પૈડાંવાળા, સંપૂર્ણ કાષ્ટનાં બનેલા હોય છે. જે દર વર્ષે નવા બનાવાય છે અને તેને ભાવિકજનો દ્વારા ખેંચીને લઈ જવાય છે. જગન્નાથજીનો રથ આશરે ૪૫ ફિટ ઊંચો અને ૩૫ ફીટનો ચોરસ ઘેરાવો ધરાવતો હોય છે જેને બનાવતા બે માસ જેટલો સમય લાગે છે.પુરીનાં કલાકારો અને ચિત્રકારો આ રથનાં વિશાળ પૈડાંઓ કાષ્ટમાંથી કોતરેલા રથ અને ઘોડાઓ પર ફૂલપાંખડીઓ અને અન્ય આકૃત્તિઓ ચીતરે છે તેમજ સુંદર રીતે શણગારે છે. રથના સિંહાસનની પીઠિકા પર પણ ઉલટા કમળફૂલોની આકૃત્તિઓ ચિતરવામાં આવે છે.આ રથયાત્રાને "ગુંડીચા યાત્રા" પણ કહેવામાં આવે છે.

રથયાત્રા સાથે સંકળાયેલી ખાસ નોંધપાત્ર વિધિ "છેરા પહેરા" ની છે. જેમાં તહેવાર દરમિયાન, ગજપતિ રાજા (ગજપતિ રાજ્યનો રાજા) સફાઈ કામદારનો પહેરવેશ સજી અને મૂર્તિઓ તથા રથની આસપાસની જગ્યા પાણી વડે ધોવાની વિધિ કરે છે. તે ઉપરાંત રથયાત્રાનાં આગમન પૂર્વે રાજા, અત્યંત ભક્તિભાવથી, સોનાનાં હાથાવાળા સાવરણાથી રથયાત્રાનો માર્ગ વાળે છે તેમજ તે પર સુખડકાષ્ટનું સુગંધી જળ અને પાવડર છાંટે છે. રિવાજ પ્રમાણે, ગજપતિ રાજા એ કલિંગ સામ્રાજ્યનો સર્વોચ્ચ હોદ્દેદાર અને મહાનુભાવ વ્યક્તિ ગણાય છે, તે પણ જગન્નાથજીની સેવામાં નાનામાં નાનું કામ પણ કરે છે અને એ દ્વારા આશય એવો સંદેશ આપવાનો હોય છે કે ભગવાન જગન્નાથજી સમક્ષ મહાશક્તિશાળી સમ્રાટ કે સામાન્ય ભક્ત વચ્ચે કોઈ ભેદ હોતો નથી.

ચેર પહરની વિધિ બે દિવસ સુધી કરાય છે, રથયાત્રાના પ્રથમ દિવસે, જ્યારે મૂર્તિઓને મૌસીમાં મંદિર (ફૂલઘર) તરફ લઈ જવાય છે ત્યારે અને પછી છેલ્લા દિવસે, જ્યારે મૂર્તિઓને ફરી શ્રી મંદિર તરફ લઈ જવાય છે ત્યારે.

એક અન્ય વિધિ મૂર્તિઓને શ્રી મંદિરમાંથી રથ પર પધરાવવાની હોય છે જે "પહાંદી વિજય" કહેવાય છે.

રથયાત્રાના તહેવારમાં, મૂર્તિઓને જગન્નાથ મંદિરેથી રથમાં ગુંડિચા મંદિરે લઈ જવાય છે. જ્યાં તે નવ દિવસ સુધી રહે છે. તે પછી, મૂર્તિઓ ફરી રથ પર બિરાજીને શ્રી મંદિરે પધારે છે એને "બહુડા યાત્રા" કહે છે. આ પરત વેળાની યાત્રામાં ત્રણે રથ મૌસીમાં મંદિરે વિરામ લે છે અને ત્યાં ભાવિકો "પોડા પીઠા" (જે બહુધા ગરીબ લોકોના મુખ્ય ખોરાક સમો એક પ્રકારનો રોટલો હોય છે)નો પ્રસાદ લે છે.

જગન્નાથની આ રથયાત્રા છેક પુરાણ કાલિન હોવાનું જણાય છે. બ્રહ્મ પુરાણ, પદ્મ પુરાણ અને સ્કંદ પુરાણમાં આ રથયાત્રાનું આબેહુબ વર્ણન જોવા મળે છે. કપિલ સંહિતામાં પણ રથયાત્રાનો ઉલ્લેખ મળે છે. મુઘલ કાળ દરમિયાન પણ, જયપુર, રાજસ્થાનના રાજા રામસિંહે પણ ૧૮મી સદીમાં પુરી ખાતે યોજાતી જગન્નાથજીની રથયાત્રાનું વર્ણન કરેલું છે. ઓડિશામાં, મયુરભંજ અને પર્લાખેમુંડીના રાજાઓ પણ પુરીની જેમ જ રથયાત્રા યોજતા.

વધુમાં, સ્ટાર્ઝાનોંધે છે કે ઈ.સ. ૧૧૫૦ આસપાસ ગંગા સામ્રાજ્યનાં રાજકર્તાઓ મહાન મંદિરોની પૂર્ણતા સમયે રથયાત્રાનું આયોજન કરતા. હિન્દુઓનાં કેટલાંક તહેવારોમાંનો આ એક એવો તહેવાર છે જેનાથી પશ્ચિમી જગત બહુ પહેલેથી જાણકારી ધરાવતું હતું. અર્થાત, આ તહેવાર ખુબ જ જૂના કાળથી વિશ્વના અન્ય લોકોમાં પણ જાણીતો બનેલો છે. પોર્ડેનોનનાં ફરિયાર ઓડોરિક નામનાં પ્રવાસીએ ઈ.સ.૧૩૧૬-૧૩૧૮ દરમિયાન ભારતની મુલાકાત લીધેલી, માર્કો પોલો પછી આશરે ૨૦ વર્ષે. તેણે ૧૩૨૧માં લખેલી પોતાની યાત્રાનોંધમાં વર્ણવ્યું છે કે, લોકો પોતાનાં પુજ્યોને (મૂર્તિઓને) રથમાં પધરાવતા પછી રાજા, રાણી અને બધાં લોકો તેમને "ચર્ચ" (મંદિર)માંથી ગાતાં વગાડતા લઈ જતા.


અમદાવાદ ની રથયાત્રા:-

અમદાવાદમાં અષાઢી બીજના દિવસે રથયાત્રાનું આયોજન થાય છે. અહીં ૧૪૦ વર્ષથી રથયાત્રા યોજાય છે. અહીં જમાલપુરમાં આવેલાં ૪૦૦ વર્ષ જૂના જગન્નાથ મંદિરમાંથી સવારે રથયાત્રાનો પ્રારંભ થાય છે અને કુલ ૧૪ કિ.મી.નું અંતર કાપી સાંજે ફરી મંદિરે આવે છે



ભારત બહાર રથયાત્રા:-

લંડનનાં ગ્રીન પાર્ક સ્ટેશન પાસેથી પસાર થઇ રહેલી રથયાત્રા, ઇ.સ. ૨૦૦૮

ભારતની બહાર પણ અનેક દેશોમાં છેલ્લાં ચાલીસેક વર્ષથી રથયાત્રોનું આયોજન થાય છે જેનો શ્રેય ઇસ્કોનનાં સંસ્થાપક આચાર્ય એ.સી. ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદને જાય છે. અમેરિકાનાં લૉસ એન્જેલિસ, ન્યુ યોર્ક, સાન ડિયેગો, સાન ફ્રાંસિસ્કો વગેરે શહેરો ઉપરાંત ઇંગ્લેંડનાં લંડન, બર્મિંગહામ, કોવેન્ટ્રી, બ્રાઇટન, વગેરે શહેરો તથા પૅરિસ, ટોરેન્ટો, બુડાપેસ્ટ વગેરે અનેક શહેરોમાં ઇસ્કોન દ્વારા જુન-જુલાઇ મહિનામાં રથયાત્રાઓનું આયોજન કરવામાં આવે છે. આ રથયાત્રાઓ પાશ્ચાત્ય દેશોની પ્રણાલીને અનુસરતા તથા ત્યાંના કાયદાઓનું પાલન કરતા મોટેભાગે શનિ-રવિવારે યોજવામાં આવે છે, અને તે કારણે હંમેશા અષાઢી બીજને દિવસે યોજાય તેમ નથી બનતું.

ધમરાઈ જગન્નાથ રથયાત્રા (બાંગ્લાદેશ)


રથયાત્રા વિશે જાણવા જેવું:-

જગનાથ પુરીમાં દર વર્ષે ભગવાનનાં ત્રણે રથો નવેસરથી તૈયાર કરવામાં આવે છે.

આ રથોની ઉંચાઇ લગભગ ૪૫ ફુટ (૪-૫ માળ) જેટલી હોય છે.

પુરીનાં જગન્નાથ મંદિરમાં ભારતીય હિંદુ સિવાય અન્યને પ્રવેશ મળતો નથી.

રથયાત્રાને દિવસે નાત જાતનાં ભેદ ભાવ વગર હર કોઇ દર્શન કરી શકે છે તથા રથ ખેંચી શકે છે.

અમદાવાદની રથયાત્રામાં દર વર્ષે ફણગાવેલાં મગ, કાકડી, કેરી અને જાંબુનો હજારો (૩૦,૦૦૦-૪૦,૦૦૦) કીલો પ્રસાદ વહેંચવામાં આવે છે.

પુરીની રથયાત્રામાં જગન્નાથનાં રથનું નામ નંદીઘોષ છે.

અંગ્રેજી ભાષામાં, અતિશક્તિશાળી જેને રોકી ન શકાય તેવું, રસ્તામાં આવનાર તમામ અવરોધોને કચડી કાઢનાર, વગેરે અર્થમાં વપરાતો શબ્દ 'જગરનોટ' (Juggernaut), જગન્નાથપુરીની રથયાત્રા પરથી લેવામાં આવેલ છે.




અષાઢી બીજ કચ્છી નવું વર્ષ:-

આજે અષાઢી બીજ એટલે કચ્છી નવું વર્ષ. વરસાદ, ધાર્મિક પરંપરા અને કચ્છી કેલેન્ડર અને કચ્છના રાજવંશ સાથે જોડાયેલા આ દિવસનું અનેક રીતે મહત્વ છે. સમગ્ર ભારતના અલગ અલગ પ્રાંતમાં, ધર્મમાં તથા સમગ્ર વિશ્વમાં અલગ અલગ ઘટના ને ધ્યાનમાં રાખીને નવા વર્ષની ઉજવણી થાય છે. એજ રીતે કચ્છના નવા વર્ષ અને ત્યાં સ્થપાયેલ જાડેજા વંશનું આ નવું વર્ષ છે.

જાડેજા વંશના પૂર્વજો સિંધમાં જામ ઉન્નડની છઠ્ઠી પેઢીએ થયેલા ‘જામ જાડો’ ગાદી પર આવ્યા. પરંતુ તેમને કોઈ સંતાન ન હોવાથી ભાઈ વેરેજીના પુત્ર લાખાજીને દતક લીધો. ઘણા વર્ષો પછી જામ જાડાને ઘેર કુવાર ઘાઓજીનો જન્મ થયો. મોટા થયા પછી જામ લાખાજી અને કુંવર ઘાઓજી વચ્ચે તકરાર થતા. જામ લાખાજી પોતાના જોડિયા ભાઈ લાખીયાર સાથે રણની પેલે પાર કચ્છ આવ્યા.

ઈ.સ. ૧૧૪૯માં પોતાના ભાઈ લાખીયારના નામ પરથી કચ્છમાં એક ગામનું તોરણ બાંધે છે. (હાલના નાખાત્રના નજીક) અહિયાથી કચ્છમાં જાડેજા રાજનો પ્રારંભ થાય છે. જાડેજા અટક પાછળનું મૂળ કારણ પણ જામ જાડા હતા. જામ જાડાએ દતક લીધેલ પુત્ર એટલે જામ લાખો તેથી તે ‘જાડાનો’ પુત્ર કહેવાય. આ વાતનો એક દુહો પણ પ્રખ્યાત છે.

લાખોને લખધીર બને જન્મ્યા જાડા,
વેરે ઘર લાખો વડો જે ધું જાડેજા.

(લાખો ને લખધીર બેઉ બેલડા/જાડા જનમ્યા, વેરેજીનો લાખો મોટો દિકરો જાડેજા થયો. )

રણ દરીયો અને લીલીછમ ખેતીનું સમન્વય ધરાવતા કચ્છની પ્રજા અષાઢી બીજની ઉલ્લાસથી ઉજવણી કરે છે. રાજાશાહીમાં રાજદરબારમાં ભારે દબદબાભેર ઉજવણી થતી. રાજદરબારમાં શાસક કે રાજવીને તેમના વહીવટકારો, અગ્રણીઓ, મહાજનો, શ્રેષ્ઠીઓ ભેટ સોગાદ તેમના ચરણમાં મૂકી વંદન કરે. રાજ્યની કચેરીઓ, શાળાઓમાં સાકરના પડા વહેંચાય. કેટલાક અમલદારો રાજવીના ચરણમાં ચલણી નાણા અને શ્રીફળ મૂકીને શુભેચ્છા વ્યક્ત કરે. લોકો રંગબેરંગી વસ્ત્રો પરિધાન કરી દેવદર્શને જાય. વડીલોના ચરણે સાકર શ્રીફળ મૂકી વંદના કરે. મંદિરોમાં મળસ્કે મંગળા આરતી ગાજી ઊઠે નોબત અને ઘંટારવનો નાદ તો દૂર સુધી સંભળાય.

દરિયાકાઠે વસનારા નાવિકો પોતાના વહાણોને શણગારે. અષાઢી બીજે દરિયાદેવનું અક્ષત, ચંદન, પુષ્પથી પૂજન કરી શ્રીફળ વધેરે. પ્રત્યેક સતી શૂરાના પાળિયાને સીંદુર લગાવી ઘૂપ-દીપ નૈવેદ્યથી પૂજન અર્ચન કરે. આજે પણ કેટલાક લોકો આવું પૂજન અર્ચન કરે છે. આ શુભદિને ભુજની ટંકશાળમાંથી સોના કે ચાંદીના પાંચિયા કે કોરીના સિક્કા બહાર પાડવામાં આવતા. ‘કચ્છી અષાઢી પંચાંગ’ પણ બહાર પાડવામાં આવતું. ભુજમાં દરબારગઢમાં આતશબાજી થતી. કચ્છમાં વ્યાપારીઓ ચોપડા પૂજન કરતા.હાલના આધુનિક યુગમાં પણ દેશ અને વિદેશમાં વસતા કચ્છીઓ પોતાનો આ તહેવાર આવા જ ઉત્સાહ થી ઉજવે છે. ભલે ઉજવણી રીત આજે કદાચ જુદી હશે પરંતુ તેનો આનંદ તો એક જ હશે..

સંદર્ભ:-Voiceofkutch

Important:-For better result always use google cromeNote:-Please Always Check and Conform Above Details with The Official Website and Advertisement / Notification.

0 Comments:

Labels