વીર હનુમાન જન્મોત્સવ
ચૈત્ર સુદ પૂનમ
મનોજવં મારુતતુલ્ય વેગ જિતેન્દ્રિય બુધ્ધિમત્તાં વરિષ્ઠમ્ | વાતાત્મજં વાનરયૂથ મુખ્ય શ્રી રામદૂતં શરણં પ્રપદ્ય ||
(જે મન જેટલું તીવ્ર અને પવન જેટલો વેગવાન છે, જે જીતેંદ્રીય છે અને જેમણે પોતાની ઇન્દ્રિયોને વશમાં કરી છે, જે બુદ્ધિમાન છે, વિદ્યા બુદ્ધીમાં શ્રેષ્ઠ છે, જે પવન દેવના પુત્ર છે અને વાનરોમાં શ્રેષ્ઠ છે. શ્રી રામજીના દૂત (શ્રી બજરંગબલી હનુમાનજી)ની હું શરણ લઉં છું.)
આજે હનુમાન જયંતી છે. હનુમાનજી મહારાજ એ દેવોના પણ દેવ એવા ભગવાન શિવના 11માં રૂદ્ર છે. અર્થાત હનુમાનજી મહારાજ એ ભગવાન શિવનો જ અવતાર છે. ત્યારે આજના હનુમાન જયંતીએ હનુમાનજી વિશેની માહીતી મેળવીએ આવનારી આપણી નવી પેઢીને જણાવીએ.
દર વર્ષે ચૈત્ર સુદ પૂનમે હનુમાન જયંતી ઉજવાય છે.
હનુમાન જયંતીને લઈને એક કથા પ્રચલીત છે. એકવાર મહાન ઋષી અંગિરા સ્વર્ગના માલિક ઈન્દ્રને મળવા માટે સ્વર્ગમાં ગયા હતા અને ત્યારે તેમનું સ્વાગત સ્વર્ગની અપ્સરા પુંજીસ્થલાના નૃત્ય સાથે કરવામાં આવ્યું હતું. જો કે અંગિરા ઋષીને આ પ્રકારના નૃત્યમાં કોઈ રસ નહોતો અને તેમણે તે જ સ્થાન પર અને તે જ સમયે તેમના પ્રભુનું ધ્યાન ધરવાનું શરૂ કરી દીધું. નૃત્યના અંતમાં ઈન્દ્રએ તેમને નૃત્યના પ્રદર્શન અંગે પૂછ્યું. સંતે જણાવ્યું કે હું મારા પ્રભુના ધ્યાનમાં મગ્ન હતો કારણ કે મને આ પ્રકારના નૃત્યમાં કોઈ રસ નથી. ઋષી અંગિરાનો આ જવાબ ઈન્દ્ર અને અપ્સરા બંન્ને માટે શરમજનક બાબત હતી. અપ્સરાના આ નૃત્યએ સંતને નીરાશ કર્યા અને ત્યારે ઋષિ અંગિરાએ શ્રાપ આપ્યો કે તમે પર્વતીય ક્ષેત્રના જંગલોમાં માદા બંદર સ્વરૂપે જન્મ લેશો.
અપ્સરાને પોતાની ભૂલનો અહેસાસ થયો અને ઋષિ પાસે ક્ષમા યાચના માંગી. ત્યારે ઋષિને દયા આવી અને તેમણે આશીર્વાદ આપ્યા કે તારા ઘરે ભગવાનના એક મહાન ભક્તનો જન્મ થશે અને તે સદાય પરમાત્માની સેવા કરશે. ત્યાર બાદ તે અપ્સરા “કુંજાર" કે જેઓ પૃથ્વી પરના તમામ વાનરોના રાજા છે તેમની દિકરી સ્વરૂપે જન્મી, અને આ દિકરી મોટી થતા જ તેમના વિવાહ “સુમેરૂ પર્વતના” રાજા “કેસરી” સાથે થયા. અને તેમણે પાંચ દિવ્ય તત્વો જેવાકે “ઋષી અંગીરાનો શ્રાપ અને આશીર્વાદ”, “પૂજા", "ભગવાન શિવના આશિર્વાદ”, “વાયુદેવના આશીર્વાદ", અને “પુત્રશ્રેષ્ઠી યજ્ઞથી” “હનુમાન"ને જન્મ આપ્યો. ભગવાન "શિવ" પૃથ્વી પર મનુષ્ય સ્વરૂપે પોતાના "11માં રૂદ્ર"ના અવતારમાં હનુમાનજી” મહારાજ બનીને જન્મ લીધો કારણ કે તેઓ પોતાના વાસ્તવિક રૂપમાં ભગવાન “શ્રીરામ”ની સેવા નહોતા કરી શકતા.
શાસ્ત્રનુસાર કળિયુગમાં જીવંત દેવતાઓમાં એક હનુમાનજી છે. તેથી જ રામાયણમાં રામભક્ત તરીકે અને મહાભારતમાં અર્જુનના રથ પર તેઓ વિરાજમાન દેખાય છે.
તેઓ ભગવાન શિવના 11માં રુદ્ર અવતાર કહેવાય છે.
હનુમાન | કપિરાજ પવન (કેસરી) અને અંજનીના પુત્ર હતા જે મારુતિ નામથી ઓળખાય છે.
હનુમાનજીના માતા અંજના એક અપ્સરા હતા. તેમને શ્રાપને લીધે પૃથ્વી પર જન્મ લેવો પડ્યો. આ શ્રાપથી એમને ત્યારે જ મુક્તિ મળતી જ્યારે તેઓ સંતાનને જન્મ આપતાં. વાલ્મિકી રામાયણ મુજબ કેસરી હનુમાનજીના પિતા હતા. તે સુમેરૂ રાજ્યના રાજા અને બૃહસ્પતિના પુત્ર હતા. અંજનાએ સંતાનપ્રાપ્તિ માટે 12 વર્ષો સુધી ભગવાન શિવની તપસ્યા કરી અને ફળસ્વરૂપ હનુમાનજીનો જન્મ થયો.
એક કથા કહે છે કે હનુમાનજીને બહુ ભૂખ લાગી હતી ત્યારે તે આકાશમાં ઉડ્યાં અને સૂર્યને ફળ સમજીને ખાવા દોડ્યાં. એ જ દિવસે રાહૂ પણ સૂર્યે પોતાનો ગ્રાસ બનાવવામાં આવ્યો હતો. જો કે તેઓ હનુમાનજીને તે બીજો રાહુ સમજી બેઠાં. એ જ વખતે ઇન્દ્રએ પવનપુત્ર પર વજુથી પ્રહાર કર્યો જેનાથી એમની હડપચી પર વાગ્યું. તેમજ હડપચી થોડી વાંકી થઇ ગઈ અને એટલે જ એમનું નામ હનુમાન પડ્યું.
બાળપણમાં શ્રી હનુમાનજી ચંચળ અને નટખટ સ્વભાવના હતા. હાથીની શક્તિ માપવા હાથીને પકડતા અને ઊંચકી એમની શક્તિનું પ્રદર્શન કરતા. મોટામોટા વૃક્ષોને પણ જડમૂળમાંથી ઉખાડી ફેંકતા એવી અતુટ શક્તિ એમનામાં હતી. એવું કોઈ શિખર ન હતું કે જેના ઉપર શ્રી હનુમાનજીએ છલાંગ ન મારી હોય.
કોઈકવાર ઋષિમુનિઓના આશ્રમમાં પહોંચી જતા અને નાદાન અટકચાળા કરતા કે જેનાથી ઋષિમુનિઓની તપસ્યા અને વ્રતમાં ભંગ પડતો. ઋષિમુનિઓના કમંડળ, આસન વગેરે ઝાડ પર લટકાવી દેતા, આમ અનેક અડચણો ઉભી કરતા. આયુ વધતાની સાથે શ્રી હનુમાનજીની નટખટતા પણ વધતી ગઈ તેથી તેમના માતા-પિતા પણ ચિંતિત થયા. ત્યાર પછી તેઓ ઋષિ પાસે પહોંચ્યા અને ઋષિઓને હનુમાનજીની ગાથા તેઓને સંભળાવી, ત્યારે વાનરરાજ કેસરીએ કહ્યું કે અમને આ બાળક કઠોર તપના પ્રભાવથી પ્રાપ્ત થયો છે. આપ એના પર અનુગ્રહ કરો એવી કૃપા કરો કે જેનાથી એમની આ નટખટતામાં પરિવર્તન થાય. ઋષિઓએ વિચાર્યું કે જો શ્રી હનુમાનજી એમનું બળ ભૂલી જાય તો આવા તોફાન નહીં કરે અને એમનું હિત પણ એમાં જ સમાયેલું છે. ઋષિઓ જાણતા હતા કે આ બાળક શ્રી રામના કાર્ય માટે જનમ્યો છે અને એમનું સંસ્કારી બળ વધુ કરવાની જરુર છે. આમ વિચારીને ભૃગુ અને અંગિરાના વંશમાં ઉત્પન્ન થયેલા ઋષિમુનિઓએ શ્રી હનુમાનજીને શ્રાપ આપ્યો કે વાનરવીર તને તારા બળનું અને તેજનું ધ્યાન નહીં રહે અને જ્યારે કોઈ તારી કીર્તિ અને બળનું સ્મરણ કરાવશે ત્યારે તારું બળ વધશે. આવા શ્રાપથી શ્રી હનુમાનજીનું બળ અને તેજ ઓછું થઈ ગયું અને એ સૌમ્ય સ્વભાવના થઈ ગયા. આથી, ઋષિઓ પણ પ્રસન્ન થયા.
સુગ્રીવ વાલીના ભયથી મતંગ ઋષિના આશ્રમ પાસે જતા રહ્યા. ત્યાં ઋષિના શ્રાપના કારણે વાલી આવી શકતા ન હતા. સુગ્રીવ અને શ્રી હનુમાનજી વાનરસેના સાથે નિવાસ કરતા હતા ત્યારે સીતાજીની શોધમાં ફરતાં ફરતાં શ્રી રામ અને લક્ષ્મણ ત્યાં આવી પહોંચ્યા. સીતાજી કે જેમને રાવણ છલથી હરણ કરી પોતાની લંકામાં લઈ ગયો હતો અને ત્યાં તેમને કેદ કરેલા હતા.
શ્રી રામ-લક્ષ્મણને ઋષિમૂક પર્વત તરફ આવતા જોઈ સુગ્રીવને ચિંતા થવા લાગી કે વાલીએ મારવા માટે બે તેજસ્વી વીરોને મોકલ્યા લાગે છે. તો સુગ્રીવે વ્યાકુળ થઈને શ્રી હનુમાનજીને તપાસ કરવા માટે મોકલ્યાં, શ્રી હનુમાનજીએ બ્રાહ્મણનો વેશ ધારણ કર્યો અને શ્રી રામ-લક્ષ્મણની નજીક ગયા,
સીતામાતાની શોધનું કાર્ય હનુમાનજીએ સ્વીકાર્યું તો ખરું પણ તે હજી પણ બાળપણમાં મળેલા ઋષિના શ્રાપમાંથી મુક્ત થયા ન હતા. તેથી તેમની શક્તિઓ સીમિત હતી. જ્યારે દરિયા કિનારે હનુમાનજી ચિંતિત અવસ્થામાં વિચારતા હતા કે આ કાર્ય હું કઈ રીતે પાર પાડીશ. ત્યારે વાનરસેનાના વિદ્વાન એવા શ્રી જાંબુવને શ્રી હનુમાનજીને એમની બધી શક્તિઓનું સ્મરણ કરાવ્યું અને શ્રાપના નિયમ મુજબ જો તેમને તેમની શક્તિઓનું કોઈક સ્મરણ કરાવે તો તેઓ તમામ શક્તિઓ પાછી મેળવી શકશે, તે મુજબ એમની બધી શક્તિઓ પાછી મળી, શક્તિ પાછી મેળવતા જ મહાવીર એવા શ્રી હનુમાનજીએ ભવ્ય વિરાટ સ્વરુપ ધારણ કર્યું. સમસ્ત વાનરસેના શ્રી હનુમાનજીનું આ સ્વરુપ જોઈને દંગ જ રહી ગઈ. વાનરસેનાએ શ્રી હનુમાનજીને નમન કર્યા અને “જય શ્રી રામ” અને “જય હનુમાન”ના નારાથી સમગ્ર વાતાવરણ ગુંજાવ્યું.
હનુમાનજીને આંકડાનો હાર, સીંદુર, તેલ ચઢાવવાનો મહિમા છે.
રામાયણમાં રામે સીતાની શોધનું કપરું કાર્ય હનુમાનને સોંપ્યું હતું કે તેમણે બખૂબી નિભાવ્યું હતું. રામને હનુમાન ઉપર પૂર્ણ વિશ્વાસ હતો, તેથી જ જ્યારે રાવણનાં ભાઈ વિભીષણનો સ્વીકાર કરવો કે ન કરવો તે ગડમથલમાં પડેલા રામે સુગ્રીવનાં અભિપ્રાયને ઉવેખીને પણ હનુમાનજીના મંતવ્યનો સ્વીકાર કરેલો. કારણ કે રામ હનુમાનને માત્ર એક ભકત તરીકે જ નહોતા નિહાળતા તેનામાં રહેલ માણસને પારખવાની અદભુત શકિતને પણ સમજતા હતા. હનુમાને સીતાને અશોક વાટીકામાં આત્મહત્યાનાં માર્ગે જતા અટકાવ્યા હતા. તેઓ માત્ર એક વિદ્વાન જ નહિ, એક વીર સૈનિક પણ હતા. તેમનામાં કોઇપણ કાર્ય બુધ્ધિ પુર્વક હાથ ધરવાની સમજદારી હતી. તેથી તેઓએ એકલે હાથે રાવણની આખી લંકા સળગાવી નાખી હતી. રામના કોઈ પણ મહત્વનાં કાર્યો કે કટોકટીની ક્ષણોમાં હનુમાન હંમેશા સાથે હતા. ઇન્દ્રજીતના બાણથી મરણશૈયા ઉપર પડેલા લક્ષ્મણને ઔષધી લાવીને હનુમાને બચાવેલા. રાવણનો યુધ્ધમાં નાશ થયો તે સમાચાર સીતાને આપવા રામ હનુમાનને મોકલે છે.
સ્વામિનારાયણ સંપ્રદાયમાં હનુમાનજીની સ્થાપનાનું ખાસ મહત્ત્વ છે અને સ્વામિનારાયણ મંદિર હોય ત્યાં હનુમાનજીની સ્થાપના અચૂક કરવામાં આવે છે.
શ્રી હનુમાનજી એટલે વીર પ્રાજ્ઞ, રાજનીતિમાં નિપુણ મુત્સદી, હનુમાન એટલે વકતૃત્વકળામાં નિપૂણ. હનુમાનજી બુદ્ધિ, રાજનીતિ, માનસશાસ્ત્ર, તત્ત્વજ્ઞાન સાહિત્ય વગેરે સર્વગુણોથી સંપન્ન છે. હનુમાન શિવજી(રુદ્ર)નાં ૧૧મા અવતાર છે અને આ કળીયુગમાં સાક્ષાત્ છે.
હનુમાનજીના ઉપનયન સંસ્કાર થયા. ભગવાનશ્રી સૂર્યનારાયણને ગુરુ બનાવ્યા. સમસ્ત વેદશાસ્ત્ર, ઉપશાસ્ત્ર સવિધિ શિક્ષા પ્રાપ્ત કરી અને શ્રી સૂર્યનારાયણ પાસેથી શિક્ષા પ્રાપ્ત કરતાં કરતાં શ્રી હનુમાનજીએ હર હંમેશ શ્રી રામનામ અને એમનું સ્મરણ કર્યે રાખ્યું.
રામાયણ કથા અનુસાર જ્યારે બજરંગ બલીને સમુદ્ર કૂદીને સીતા માતા શોધ ખરવાની હતી ત્યારે વચ્ચે સુરસા નામની રાક્ષસીએ તેમને રોક્યા હતા અને તેમને ગળી જવાની જીદ કરી હતી. હનુમાનજીના મનાવવા છતાં તે ન માની ત્યારે હનુમાનજીએ નાનું સ્વરૂપ ધારણ કરી તેમની આજ્ઞાનું પાલન કર્યું અને તેમના મુખમાં પ્રવેશ મેળવી લીધો. તે તેના મોંમાં ફરીને બહાર નીકળી ગયા. આમ રાક્ષસીની જીદ પણ પૂરી થઈ અને હનુમાનજી લંકા પણ પહોંચી ગયા.
બજરંગબલી લંકા પહોંચ્યા ત્યારે લંકિની નામની રાક્ષસીએ તેમનો રોકવાનો પ્રયત્ન કર્યો હતો. આ સમયે રાત હતી અને લંકામાં પ્રવેશ કરવાનો શ્રેષ્ઠ મોકો હતો. દિવસમાં પ્રવેશ મુશ્કેલ હતો અને રાત્રે લંકિની તેમને પ્રવેશવા દેતી નહતી. આવામાં હનુમાનજીએ બળપ્રયોગ કર્યો હતો.
તેમનો મકરધ્વજ નામે એક (પરોક્ષ) પુત્ર હતો.
હનુમાન ચાલીસાનું નિર્માણ ગોસ્વામી તુલસીદાસે કર્યુ હતું.
વેદવ્યાસ, કૃપાચાર્ય, અશ્વત્થામા, પરશુરામ, બલિરાજા, વિભિષણ અને હનુમાનજી એ સાત ચિરંજીવી કહેવાય છે, જેમાં હનુમાનજી સતયુગમાં રુદ્રાવતાર સ્વરુપે હતા, ત્રેતાયુગમાં રામના સેવક હતા, દ્વાપર યુગમાં મહાભારતમાં અર્જુનનારથની ધજા પર બિરાજમાન હતા, અને કળીયુગમાં જ્યા રામકથા થાય ત્યા હનુમાનજી હોય આમ ચારેય યુગમાં હનુમાનજીનો મહિમા જોવા મળે છે.
ગુજરાતમાં સુપ્રસિદ્ધ હનુમાનજી મંદિર બોટાદ જિલ્લામાં આવેલ સાળંગપુર હનુમાનજી મંદિર છે. જે કષ્ટભંજન દેવ, હનુમાનજી તરીકે પણ જાણીતું છે.
જામનગરમાં આવેલ બાલા હનુમાનજી મંદીરે સતત 56 વર્ષોથી અખંડ રામધૂન શરુ છે, ગુજરાતમાં ધરતીકંપ આવ્યો ત્યારે પણ આ રામધૂન બંધ રહી નથી.
વીરા અભય અંજનેય હનુમાન સ્વામી, આંધ્રપ્રદેશ (ઉંચાઇ 135 ફૂટ)
108 ફુટ ઉંચી હનુમાન પ્રતિમા શિમલામાં
હનુમાન જન્મ સ્થળે કર્ણાટકના કિષ્કિંધા માં બનશે દાદાની ૨૧૫ ફુટ ઉંચી પ્રતિમા
શ્રી સંકટ મોચન હનુમાન, દિલ્હી.(ઉંચાઇ 108 ફૂટ)
હનુમાનજીના નામો
પવનપુત્ર
અંજનીપુત્ર,
રામભક્ત
મહાવીર,
મારુતિ
બજરંગબલી
સંકટમોચન
દર મંગળવારે અને શનિવારે હનુમાન ચાલિસાના પાઠ કરવા જોઇએ.
હનુમાન ચાલિસા સંત તુલસીદાસે લખેલ છે જેમા 40 ચોપાઇ છે, કુલ 418 શબ્દો છે, તેમાં હનુમાનજીના 108 નામનો ઉલ્લેખ છે, તેમા 10 વાર રામનું નામ આવે છે, દરેક ચોપાઇ એક મંત્ર છે.
પંચમુખી હનુમાન
રામાયણના પ્રસંગ અનુસાર એકવાર અહિરાવણ અને મહિરાવણે રામ-લક્ષ્મણને પોતાની માયાથી અપહરણ કરી લીધા અને તેઓ બંને ને પાતાળ લોક લઇ ગયો. જયારે સંકટ મોચન હનુમાન ને આ ખબર પડી તો તે પણ ત્યાં પહોંચી ગયા. દ્વાર પર હનુમાન અને તેમના પુત્ર મકરધ્વજ સાથે યુદ્ધ થયું. એમણે એ યુદ્ધમાં હરાવી દીધા. અંદર જવા પર એમણે જોયું કે અહિરાવણ એમની કુળમાતાની આગળ રામ અને લક્ષ્મણની બલી આપવાના હતા. પાંચ દિશાઓ માં પાંચ દીપક પ્રગટી રહ્યા હતા. જો આ એક સાથે ઓલવાઈ જાય ત્યારે અહિરાવણ કમજોર થઇ શકતો હતો. ત્યારે મહાબલી હનુમાન એ પંચરૂપ ધારણ કર્યું. હનુમાનના આ પંચરૂપ ના દરેક મુખ એ દરેક દિશા માં એક સાથે દીપક ઓલવી નાખ્યા. ત્યારે અહિરાવણ કમજોર થઇ ગયો અને હનુમાન એ એનું વધ કરી દીધું. આ પાંચ રુપોમાં નૃસિહ રુપ, વરાહ રુપ, અશ્વ રુપ, હનુમાન રુપ અને ગરુડ રુપ હતું.
હનુમાન ચાલીસાની વિશેષ ફળદાયી ચોપાઈઓ
આજના પાવન દિવસે હનુમાનજીને યાદ કરીએ અને બની શકે તો એક્વાર હનુમાન ચાલીસાનું પઠન કરીએ.
Important:-For better result always use google cromeNote:-Please Always Check and Conform Above Details with The Official Website and Advertisement / Notification.
0 Comments:
Post a Comment