Education for Every

કચ્છના સ્વાતંત્ર્ય નરવીરો

કચ્છના સ્વાતંત્ર્ય નરવીરો



·       પ્રસ્તાવના



ભારતની સ્વતંત્રતા માટે અનેક મહાપુરુષોએ પોતાના પ્રાણોનું બલિદાન આપ્યું છે. તે પૈકીના કેટલાક સ્વાતંત્ર્ય વિરો કચ્છ ની ધરતી પર થઈ ગયા છે . તેઓએ અન્ય ક્રાંતિકારીઓને પણ પ્રેરણા આપીને ભારતની આઝાદીની લડતને વેગવંતી બનાવી હતી. કચ્છ ની ધરતી જોમ, ખુમારી અને માનવતા થી ભરેલી છે. કચ્છની ધરતી પર વરસાદ ઓછો પડે છે પણ લોકોમાં પાણી ખુબજ છે. તેથીજ  સ્વતંત્રતાના દરેક તબક્કે કચ્છી સ્વાતંત્ર્ય નરવીરો નું ખુબજ મોટું યોગદાન રહેલ છે. ગાંધીજીના   દાંડી કુચ મીઠાના કાયદાના ભંગ માં સમગ્ર ગુજરાત માંથી 76 વ્યક્તિમાં માત્ર કચ્છનાજ સાત સ્વાતંત્ર્ય વિરો હતા. આજ બાબત દર્શાવે છેકે કચ્છનું  સ્વાતંત્ર્ય સંગ્રામ માં ખુબજ મોટું યોગદાન રહેલ છે. જેનું સમગ્ર શ્રેય કચ્છ સ્વાતંત્ર્ય વિરો ને જાય છે....



કચ્છનાં ઘણાં સપૂતો ગાંધીજીની લડતમાં જોડાયા હતાં. શેઠ વેલજી લખમશી નપુ અને શેઠ શ્રી ઉમર સોબાનાં કૉંગ્રેસનાં કોષાધ્યક્ષ તરીકે રહ્યાં હતાં. શ્રી ક્રૂરજી વલ્લભદાસ તો મુંબઈ કૉંગ્રેસ પ્રવૃત્તિનાં પ્રાણસમા હતાં. શ્રી મૂળરાજ કરસનદાસ, શ્રી બી. એન. મહેશ્વરી, શ્રી યુસુફ મહેરઅલી એ બધાં યુવાન પેઢીનાં પ્રતિનિધિઓ હતાં. વ્યાપારી વર્ગનાં પ્રતિનિધિ સમા શ્રી ભવાનજી અરજણ ખીમજી હતાં. બિહારને પોતાનું કાર્યક્ષેત્ર બનાવી બેસી જનાર શ્રી જીવરામ કલ્યાણજી કોટડાવાળા અને સાબરમતી આશ્રમમાં અંતેવાસી બની ગયેલા શ્રી માધવજી વિશ્રામ રંગવાળાએ કચ્છનું નામ ઉજ્જવળ કર્યુ છે. 





જ્યારે મહાત્મા ગાંધીજીએ ઈતિહાસ પ્રસિદ્ધ દાંડીકૂચ આરંભી ત્યારે તેમણે કસાયેલા જે 19 સૈનિકો પસંદ કરેલાં તેમાં કચ્છનાં સાત સપૂતો હતાં. (I) શ્રી પૃથ્વીરાજ લક્ષ્મીદાસ આશર (2) શ્રી જયંતિલાલ નથુભાઈ પારેખ (3) શ્રી માધવજી વિશ્રામ ઠક્કર (4) શ્રી નારાયણજી નેણસી ઠક્કર (5) શ્રી મગનલાલ વોરા (6) શ્રી ડુંગરશી કચરાભાઈ અને (7) શ્રી જેઠાલાલ રૂપારેલ.



આ ઉપરાંત, ભારતનાં સ્વાતંત્ર્ય સંગ્રામમાં શ્યામજી કૃષ્ણવર્માનો ફાળો પણ વિશેષ રહ્યો છે. અને કચ્છનાં પણ તેઓ પ્રથમ સ્વાતંત્ર્ય સેનાની હતાં.



કચ્છનાં પાયાનાં સ્વાતંત્ર્ય સેનાનીઓ :



કચ્છમાં જે સ્વતંત્ર્ય લડત ચાલી તેની શરૂઆત મુંબઈથી થઈ ધીરે ધીરે કચ્છમાં પ્રસરી. તેથી પાયાનાં સ્વતંત્ર્યસેનાનીનાં રૂપમાં જે વ્યક્તિતત્વો આગળ આવ્યાં તેમાં મુખ્યત્વે : : 

(1) શ્યામજી કૃષ્ણવર્મા :

(2) યુસુફ મહેરઅલી :

(1) ખીમજી હિરજી કાયાણી : 

(2) ચત્રભુજ ભટ્ટ : 

(3) કાંતિપ્રસાદ અંતાણી : 

(4) ગોકુળદાસ ખીમજી : 

(5) જીવરામ કલ્યાણજી : 

(6) ગુલાબશંકર ધોળકિયા : 

(7) કે. ટી. શાહ : 

(8) રસિકલાલ જોશી : 

(9) જમનાદાસ ગાંધી :  

(10) પ્રાણલાલ મહેતા : 

(11) ફુલશંકર પટ્ટણી :



આ ઉપરાંત કચ્છનાં સ્વાતંત્ર્ય સંગ્રામમાં ભાગ લેનારા અન્ય અગ્રણીઓ પણ ઘણા હતાં અને મહિલાઓએ પણ પોતાનું પ્રદાન કચ્છનાં સ્વાતંત્ર્ય સંગ્રામમાં આપ્યું હતું. જેઓનો ફાળો પણ નાનો સૂનો ન ગણી શકાય.










(1) શ્યામજી કૃષ્ણવર્મા :



કચ્છનાં પ્રથમ સ્વાતંત્ર્ય સેનાની શ્યામજી કૃષ્ણવર્મા હતાં. એમ કહેવું જરા પણ અતિશયોક્તિ નથી. તેમણે પોતાની ક્રાંતિથી માત્ર ભારત જ નહીં પણ આંતરાષ્ટ્રીય ક્ષેત્રે ખ્યાતિ મેળવી હતી. સન 1857 ની 4, થી ઑક્ટોબરે તેમનો કચ્છનાં માંડવી ગામમાં જન્મ થયો હતો. પિતા કૃષ્ણદાસ ભણસાલીની આર્થિક સ્થિતિ ઘણી નબળી હતી. બાળપણમાં માતાનું અવસાન થયું . અને તેમના પિતાએ બીજા લગ્ન કર્યા, ત્યારબાદ ધંધો ભાંગી પડતાં આજીવિકા માટે તેઓ મુંબઈ ગયાં પણ શ્યામજી કૃષ્ણવર્માનો ઉછેર તેમના નાનીમાને ઘેર જ થયો. માંડવીમાં પ્રાથઈમક શિક્ષણ બાદ હાઈસ્કૂલમાં દાખલ થયો. સંસ્કૃત ભાષા તરફ શ્યામજીને ઘણું આકર્ષણ હતું. આ અરસામાં માંડવી પધારેલાં શેઠ મથુરદાસે આ તેજસ્વી વિદ્યાર્થીને જોઈને પ્રભાવિત થયા અને મુંબઈ બોલાવી અભ્યાસ માટેની સગવડ કરી આપી. શ્યામજી પહેલાં વિલ્સન હાઈસ્કૂલ અને પછી ઍલ્ફિન્સ્ટન હાઈસ્કૂલમાં દાખલ થતાંની સાથે વિશ્વનાથ શાસ્ત્રીની સંસ્કૃત પાઠશાળામાં તે રોજ જતાં અને ત્યાં સંસ્કૃત સાહિત્ય વેદાંત તથા તત્ત્વજ્ઞાનનાં વિવિધ ગ્રંથોનું અધ્યયન કરતાં રહેતાં આ દિવસોમાં નાસિકમાં સસ્કૃત ભાષાનાં નિષ્ણાંતોનું સંમેલન યોજાયું હતું. શ્યામજી ત્યાં પહોંચ્યા અને વિદ્વત્તાપૂર્ણ વ્યક્તવ્ય આપ્યું. સંમેલનનાં પ્રમુખ ન્યામમૂર્તિ ગોપાળરાવ દેશમુખ તેમનાથી ઘણા પ્રભાવિત થયાં હતાં. આ સમયે સંસ્કૃત ભાષામાં વિશ્વકોશની રચના કરી રહેલાં વિદેશી મોનિયર વિલિમ્પસને જ્યારે મદદનીશની જરૂર પડી ત્યારે ગોપાળરાવ દેશમુખે શ્યામજી કૃષ્ણવર્માનું નામ સૂચવ્યું હતું. મુંબઈમાં જ્યારે સ્વામી દયાનંદ સરસ્વતી પધાર્યા ત્યારે તેઓ તેમના પરિચયમાં આવ્યાં અને આર્યસમાજનાં રંગે રંગાયા, અને ભારતીય સંસ્કૃતિની મહાનતાનાં પ્રચારાર્થે ભારત ભ્રમણ કર્યું. આ ગાળામાં સન 1878 માં મોનિયર વિલિયમ્સનું આમંત્રણ મળતાં દેશ સેવા અને સંસ્કૃતભાષાની ઉન્નતિનો આદર્શ લઈ શ્યામજી કૃષ્ણવર્મા લંડન ગયાં. ત્યાં મદદનીશ તરીકેનું કાર્ય ચાલું કર્યું અને સાથે ત્યાંની બેલિયમ કૉલેજમાં દાખલ થયાં. એ જ અરસામાં કચ્છનાં મહારાવ શ્રી ખેંગારજીની સ્કૉલરશીપ પણ મેળવી. ચાર વર્ષ પછી સ્નાતક થયા, ત્યારે આ જ કૉલેજમાં પ્રાધ્યાપક તરીકે જોડાયા. પાછળથી બેરિસ્ટરની પદવી પણ મેળવી હતી. ઉલ્લેખનીય છે કે ‘રોયલ એશિયાટિક સોસાયટી' નાં ઉપક્રમે વિદ્વાનો સમક્ષ ‘ભારતમાં લેખનકળાનો ઉદય’ નામનો નિબંધ રજૂ કર્યો અને બર્લિનમાં પુરાતત્વવિદ્યાની પરિષદમાં ‘સંસ્કૃત : ભારતની જીવંતભાષા’ જેવો લેખ પ્રસ્તુત કર્યો હતો.



અધ્યયનશીલ શ્યામજી કૃષ્ણવર્માનું અંતઃ કરણ પરતંત્ર ભારતની દુર્દશાથી વ્યાકુળ રહેતું તેથી તેઓ વિદેશ છોડી ભારત પરત આવ્યાં. આ સમયે તેમને દેશી રજવાડામાં દીવાન થવાની તક મળી. આર્થિક લાભ સાથે દેશી રજવાડાંઓની સ્થિતિ જાણવા મળશે એ અપેક્ષાએ તેઓ પ્રથમ રતલામમાં ત્યારબાદ જૂનાગઢ તથા ઉદેપુરમાં દીવાન તરીકે નોકરી સ્વીકારી અને જોયું કે ચારેબાજુ અરાજકતા, અન્યાય અને ગુલામીજન્ય અજ્ઞાનતા હતી. તેમણે ગુલામીની બેડીયો તોડવા વિદેશને કર્મભૂમિ બનાવી બગાતનો ઝંડો ફરકાવવા નિર્ણય કર્યો. આમ 1897 માં પત્ની ભાનુમતી સાથે ફરી લંડન આવ્યા. અહીં તેઓ સ્વતંત્રતાનાં હિમાયતી હર્બટ સ્પેન્સરનાં વિચારોથી પ્રભાવિત થયાં.



સન 1905 ના વર્ષથી લંડનમાં શ્યામજીએ ઘણી પ્રવૃત્તિઓનો પ્રારંભ કર્યો. લંડનમાં ઈન્ડિયન સોશિયોલોજીસ્ટ’ નામનું અખબાર પ્રગટ કરી જન જાગરણ અભિયાન શરૂ કર્યું. જેમાં ભારતની કરુણ દશાનો ચિતાર તો ક્યારેક અંગ્રેજો દ્વારા ભારતની પ્રજાના શોષણની કથા અને અહેવાલ રજૂ કરતા હતાં. આ પત્ર પર અનેકવાર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. છતાં એક નીડર પત્રકાર તરીકે આ પત્ર ચાલુ રાખ્યું હતું. આઝાદીનાં સંગ્રામને કાર્યાન્વિત કરવા વિદેશમાં કાર્યશીલ ક્રાંતિકારીઓ સાથે મળી ‘ઈન્ડિયન હોમરૂલ સોસાયટી'ની સ્થાપના કરી. શ્યામજીએ એક મકાન ખરીદ્યું અને તેમાં ‘ઈન્ડિયન હાઉસ'ની સ્થાપના કરી. તેના ઉદ્ઘાટનમાં દાદાભાઈ નવરોજી, લાલા લજપતરાય, મેડમ કામા, સરદારસિંહ રાણા, ‘પોઝિટીવ રિવ્યૂ'ના તંત્રી સિડની, સ્ત્રી સ્વાતંત્ર્યનાં હિમાયતી આર્યલેન્ડનાં નેતા શ્રીતી ડેસ્પાર્ડ જેવાં મહાનુભાવો પધાર્યા હતાં. ‘ઈન્ડિયન હાઉસ’ માં પ્રથમ માળે સભાખંડ અને લાયબ્રેરી તથા બીજા માળે છાત્રાવાસ રાખવામાં આવેલ હતો. ઈંગ્લેન્ડમાં ઉચ્ચ અભ્યાસ માટે આવતા આર્થિક રીતે નબળા પણ તેજસ્વી વિદ્યાર્થીઓ માટે રહેવા તેમજ ભોજનની સગવડ ધરાવતું આ ભવન પ્રત્યેક ભારતીય વિદ્યાર્થી માટે ખૂલ્લુ હતું. પણ આ ભવનમાં રહેવા માટે એક શરત રાખવામાં આવી હતી કે આ ભવનમાં રહેલા કોઈપણ વિદ્યાર્થીએ ભવિષ્યમાં સરકારી નોકરી (બ્રિટિશરોની નોકરી) કરવી નહીં અને રાષ્ટ્રસેવા માટે જાત હોમી દેવી. જો કે આ ભવન પાછળથી ક્રાંતિકારીઓનું તીર્થધામ બની ગયું હતું. અહીં વીર સાવરકર, વી. વી. એસ. ઐય્યર, લાલા હરદયાલ, વીરેન ચટ્ટોપાધ્યાય જેવાં ક્રાંતિકારીઓ તૈયાર થયાં હતાં. આમ સન 1907 થી 1914 સુધી શ્યામજી કૃષ્ણવર્માનું કાર્ય અવિરત ચાલતું રહ્યું. શ્યામજી ક્રાંતિકારીઓનાં પ્રેરણા સ્ત્રોત બન્યાં. તે દરમ્યાન મદનલાલ ધીંગરાએ વિલિયમ્સ કર્ઝન વીલી પર ગોળી ચલાવી, તેથી ફાંસી મળી. તેનો ખળભળાટ મચ્યો અને તે માટે આંગળી કૃષ્ણવર્મા પર ચીંધાઈ. પણ તેમણે જરાપણ ગભરાયા વિના ધીંગરાને અંજિલ આપેલ. જ્યારે પોતાને થયેલા અપમાનનો જલદ જવાબ આપતાં કુંજબિહારી ભટ્ટાચાર્યે સરલી વોર્નરને તમાચો મારી ચારેબાજુ હાહાકાર મચાવી દીધો. એ સમય દરમિયાન ભારત વર્ષની અસ્મિતાની પ્રતિષ્ઠા કરવા તેમણે અનેક કાર્યક્રમો આયોજિત કર્યા હતાં. સ્ટુટગાર્ડમાં જગતનાં સ્વાતંત્ર્યવીરોનાં સમાજવાદી સંમેલનમાં ભારતનો પ્રથમ રાષ્ટ્રધ્વજ ફરકાવી શ્રીમતી કામાએ એક અભૂતપૂર્વ ઘટનાનું સર્જન કર્યુ. તેઓએ ભારતનાં ક્રાતિકારીઓને સહાયતા આપવા અનેકવાર બોમ્બની સામગ્રી અને સાહિત્ય પહોંચાડી તેમના ઉત્સાહને બુલંદ કર્યો હતો.

સન 1914 માં પ્રથમ વિશ્વયુદ્ધનો પ્રારંભ થયો. વાતાવરણ બદલાયું અને પરિસ્થિતિ પરિવર્તિત થઈ. શ્યામજીને લંડન છોડી પેરિસ આવવું પડ્યું અને પછી પેરિસ પણ છોડવું પડ્યું. શ્યામજી જિનિવા આવ્યા અને થોડા સ્થિર થયાં. ત્યાં તેમણે ‘ઈન્ડિયન સોશિયોલોજીસ્ટ' ફરી શરૂ કર્યુ પણ 1923 માં ફરી બંધ કરવું પડ્યું. હવે શ્યમાજી એકલા પડી ગયા હતાં. સાવરકર કાળાપાણીની સજા ભોગવી રહ્યાં હતાં. મદનલાલ ધીંગરા ફાંસીએ ચડી શહીદ થયા હતાં. સરદારસિંહ રાણા માર્ટિનિક ટાપુ પર એકાંતવાસની સજા પર હતાં. શ્રીમતી કામા ગંભીર રીતે બીમાર હતાં. હતાશ, ભગ્ન હૃદય શ્યામજી કૃષ્ણવર્મા સ્વદેશથી દૂર, આંતરડાનાં રોગથી પીડિત, ભારત વર્ષની આઝાદી ઝંખતા પત્ની ભાનુમતીનો સાથ છોડી ઈ.સ. 1930ની 31 મી માર્ચે અવસાન પામ્યા હતાં છતાં સક્રિય આજીવન લડત આપનાર ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણવર્માનું નામ ભારતનાં સ્વાતંત્ર્ય સંગ્રામનાં ઈતિહાસમાં સુવર્ણ અક્ષરે અંક્તિ છે. અને કચ્છનાં લોકો તેના માટે ગૌરવ અનુભવે છે. 



(2) યુસુફ મહેરઅલી :

યુસુફ્ મેહરઅલી(સપ્ટેમ્બર ૨૩,૧૯૦૩ - જુલાઇ ૨,૧૯૫૦) એક સ્વતંત્રતા સેનાની અને સામાજીક કાર્યકર હતા. તેઓ રાષ્ટ્રીય મીલીશિયા, બોમ્બે યુથ લીગ અને કોંગ્રેસ સોશિયાલીસ્ટ પાર્ટીના સ્થાપક હતાં. તેમણે મજૂર અને કિશાન સંગઠનોને મજબુત કરવા મહત્વનો ભાગ ભજવ્યો. તેમને સ્વતંત્રા સંગ્રામ વખતે આઠ વખત જેલમાં જવુ પડ્યું હતું. ૧૯૪૨માં તેઓ લાહોર જેલમાંથી ચુટણી લડ્યા અને મુંબઈના મેયર તરીકે ચુંટાયા હતા. તેમણે સાયમન ગો બેક (સાયમન પાછો જા) અને ક્વીટ ઇન્ડીયા (ભારત છોડો)  સૂત્રો ઘડ્યા.



I hate ugliness and cruelty and that is why I am a socialist. My socialism is based on aesthetic and ethical premises and not on Economics.



— Yusuf Maheralli





તેમનો જન્મ એક વેપારી પરિવારમાં ગુજરાત રાજ્યના કચ્છ જીલ્લાના મુન્દ્રા તાલુકાના ભદ્રેશ્વર ગામમાં ૨૩ સપ્ટેમ્બર ૧૯૦૩ ના રોજ થયો હતો . તેમનુ આખુ નામ યુસુફ મહેરઅલી મર્ચન્ટ છે. તેમણે એલફિન્સટાઇન કોલેજ, મુંબઇમાં અર્થશાસ્ત્ર નો અભ્યાસ કર્યો. અભ્યાસ દરમિયાન નાટકમાં મૌલાના આઝાદ નો પાત્ર ભજવવા બદલ તેમને જેલમાં જવુ પડ્યું.



વિર્દ્યાથી કાળથીજ યુસુફ મહેરઅલી અાઝાદીની ચળવળમાં ખુબ સક્રિય હતા. તેમણે જનજાગ્રુતી લાવવા પન્ના પ્રકાશન દ્વારા ભારતીય નેતાઓના જીવનચરિત્ર છપાવ્યા અને લોકોમાં વહેચ્યા. કચ્છની રાજાશાહીને પ્રજાલક્ષી બનાવવા કચ્છના ગામડે ગામડે ફરી ચળવળ ચલાવી. તેઓ એક ખુબ લોકપ્રિય નેતા હતા. ૧૯૪૦માં તેમની ધરપકડ વખતે મુંબઇના વેપારીઓએ સ્વંયભુ બંધ પાડયો. ૧૯૪૨ માં જેલમાં રહીને જ મુંબઇના મેયર તરીકે ચુંટાયા. તેમણે સાયમન ગો બેક (સાયમન પાછો જા)  અને ક્વીટ ઇન્ડીયા (ભારત છોળો)  સૂત્રો ઘડ્યા. ભારતની આઝાદીબાદ ૧૯૪૯ માં મુંબઇની વિધાનસભામાં ચુંટાયા અને મૃત્યુપર્યંત વિધાનસભ્ય રહયા.



(1) ખીમજી હિરજી કાયાણી : કચ્છી રાજ્યતંત્રનો અહેવાલ ‘કચ્છાધિપતી પ્રત્યે વિજ્ઞપ્તિ' પુસ્તક દ્વારા આપ્યો. આ પુસ્તકથી કચ્છનાં વહીવટકારો ચોંકી ઊઠયા હતાં અને કચ્છમાં આ પુસ્તક પર પ્રતિબંધ મૂકી દીધો હતો. શ્રી કાયાણીને પ્રથમ બળવાખોર ગણી શકાય. 



(2) ચત્રભુજ ભટ્ટ : કચ્છ રાજ્યે જે દમન આચર્યું તેનો ભોગ લાકડિયામાં શિક્ષક તરીકે કામ કરતા ચત્રભુજ જગજીવન ભટ્ટ પણ બની ગયા. પરિણામે કંટાળીને તે મુંબઈ ચાલ્યા ગયાં. ત્યાં ‘કચ્છી’ નામે સાપ્તાહિક કાઢ્યું. 1896 માં તેમને ભોળવીને કચ્છમાં લઈ આવ્યાં અને કેદની સજા કરી હતી પછી તેઓ આફ્રિકા ચાલ્યાં ગયાં 



(3) કાંતિપ્રસાદ અંતાણી : કચ્છમાં ગાંધીયુગ દરમિયાન કચ્છ રાજ્ય સામે જે ચળવળ થઈ તેમાં 1919 થી1948 સુધી સળંગ તથા કોંગ્રેસનાં પ્રતિનિધિ તરીકે કામગીરી કરી હતી. 1919 માં માંડવીની જી. ટી. હાઈસ્કૂલમાં ‘સ્ટુડન્ટ્સ એસોસિએશન’ સ્થાપવાથી શરૂઆત કરી. 1925 માં મહારાવની નામરજી છતાં ગાંધીજીને કચ્છ પ્રવાસનું આમંત્રણ આપ્યું. સમગ્ર પ્રવાસ દરમિયાન સાથે રહ્યાં. પરિણામે જ્ઞાતિ બહિષ્કારનો ભોગ બન્યા. ‘કચ્છી પ્રજાકીય પરિષદ’ નાં સ્થાપક સભ્ય હતાં તથા છેલ્લે સુધી સક્રિય રહ્યાં. ‘આશારામ કેસ’ માં જેલ ભોગવી સ્વાતંત્ર્ય પછી પણ બંધારણ સભા, સિંધી હિજરત પ્રશ્નો, નર્મદા પ્રશ્ન બધામાં અગ્રણી રહ્યાં. કચ્છ જિલ્લા પંચાયતનાં પ્રથમ પ્રમુખ બન્યાં હતાં. 



(4) ગોકુળદાસ ખીમજી : કચ્છમાં સ્વાતંત્ર્ય સંગ્રામનાં એક અગ્રણી, ગાંધી કાર્યક્રમોમાં સક્રિય ગાંધીજીએ તેમની અંત્યજ સેવાની ખૂબજ પ્રશંસા કરી હતી. 



(5) જીવરામ કલ્યાણજી : કચ્છમાં ગાંધીનિષ્ઠ કાર્યકર હતાં. ગાંધીજીનાં હસ્તે અંત્યજ શાળાનો પાયો નાંખ્યો. સંજોગોવસાત તે શરૂ થઈ ન શકી. 



(6) ગુલાબશંકર ધોળકિયા : કચ્છ સ્વાતંત્ર્ય સંગ્રામનાં એક અગ્રણી નેતા હતાં. સ્વાતંત્ર્ય બાદ સાત વર્ષ સંસદ સભ્ય તરીકે રહ્યાં હતાં. 



(7) કે. ટી. શાહ : મૂળ માંડવીનાં પ્રા. ખુશાલ ટી. શાહ રાષ્ટ્રીય કક્ષાનાં અર્થશાસ્ત્રી હતાં. કોંગ્રેસમાં તેમની વિદ્વતાનું ખૂબ માન હતું. 



(8) રસિકલાલ જોશી : કચ્છનાં સ્વાતંત્ર્ય સંગ્રામનાં બીજા તબક્કામાં જે યુવાનો આગળ આવ્યાં તેમાં અગ્રણી. ‘ચીતા–સુવર સત્યાગ્રહ’ માં મુખ્ય રહ્યાં. એક સારા લેખક અને પત્રકાર 



(9) જમનાદાસ ગાંધી : મૂળ અંજારનાં આશારામ ખૂન કેસમાં તેમને ફસાવવામાં આવેલા પરિણામે જેલનો ત્રાસ ભોગવ્યો. 



(10) પ્રાણલાલ મહેતા : કચ્છમાં સ્વાતંત્ર્ય સંગ્રામ શરૂ થયો ત્યારથી તેમાં શરૂથી જોડાનારાઓમાં પ્રાણલાલ સાંકરચંદ મહેતા હતાં. “કચ્છી પ્રજાકીય પરિષદ’ નાં સક્રિય સભ્ય રહ્યાં હતાં. 



(11) ફુલશંકર પટ્ટણી : સ્વાતંત્ર્ય સંગ્રામ સમય દરમિયાન ‘જય કચ્છ’ છાપું શરૂ કર્યુ. રાજ્યનો ખૂબ ત્રાસ ભોગવ્યો. પરિણામે પાછળથી મુંબઈથી તે પ્રકાશિત કર્યું. એક નીડર પત્રકાર હતાં." 









ઓગસ્ટ ક્રાંતિ માં કચ્છી સ્વાતંત્ર્ય વિરો:

'ઓગસ્ટ ક્રાંતિ'માં કચ્છીઓનું પ્રદાન પણ નોંધપાત્ર છે.દેશમાં ક્રાંતિનાં બીજ પ્રથમ કચ્છમાં રોપાયાં હોવાનું કહેવાયું છે એમાં જરાય અતિશયોક્તિ નથી. કારણકે ઈ.સ.૧૭૮૩માં કચ્છના ક્રાંતિવીર મેઘજી શેઠે, રાવ રાયધણ સામે માથું ઊંચક્યું હતું.અજબ હિમ્મતથી લોકક્રાંતિની આગેવાની લઇ,રાજ સત્તાને ઝૂકાવી,રાજવીને કેદ કરી,કચ્છની એ પ્રથમ લોક ક્રાંતિને સફળ બનાવી હતી.તેમના પછી જમાદાર તેહમામદને પણ આવી જ જવાબદારી અદા કરવાની ફરજ પડી હતી. જયારે ગાંધીયુગનો પ્રભાવ ન હતો ત્યારે ક્રાંતિવીર શ્યામજી કૃષ્ણવર્માએ અંગ્રેજ સત્તાને પડકારી હતી પ્રજા જાગૃતિ માટે તેમણે શંખ ફૂંક્યો હતો.તો..'ઓગસ્ટ ક્રાંતિ' ..વખતે કચ્છ જિલ્લો પાછળ રહે ખરો ?



એ યુગ હતો આઝાદીની ઝંખના માટે સર્વત્ર ફેલાએલ લોકજુવાળનો.. પ્રજાએ પોતાનો 'જન્મ સિદ્ધ અધિકાર મેળવવા માટે સ્વદેશી ચળવળ,હોમ રુલ,ખિલાફત ચળવળ,સવિનય કાનૂન ભંગ,દાંડી કૂચ,..વ.કાર્યક્રમોએ સરકારના દાંત ખાટા કરી નાખ્યા હતા.તેમ છતાં સરકારની શાન ઠેકાણે આવી ન હતી.ઉલ્ટું સરકારે દમન નીતિ આચરી પ્રજા પર જુલમ વરસાવવામાં કઈ કચાશ રાખી ન હતી. 'જલિયાંવાલા બાગ હત્યા કાંડ' એનું એક દ્રષ્ટાંત છે. છેવટે 8મી ઓગસ્ટ ૧૯૪૨નાં,મુંબઈનાં ગોવાળિયા ટેંક મેદાન (હાલનું 'ઓગસ્ટ ક્રાંતિ' મેદાન)માં પંદરેક હજારની માનવ મેદની વચ્ચે આપણા રાષ્ટ્રીય નેતાઓએ અંગ્રેજોને રોકડું પરખાવી દીધું.. "ભારત છોડો' 'ક્વિટ ઇન્ડિયા' ..

સાથે મહાત્મા ગાંધીજીએ મંત્ર આપ્યો. 'કરેંગે યા મરેંગે'



'ભારત છોડો' સૂત્ર કચ્છી નેતાનું પ્રદાન



દેશની ક્રાંતિનાં બીજ કચ્છમાં રોપાયાં હતાં એમ ઓગસ્ટ ક્રાંતિનું વિચાર બીજ પણ કચ્છમાંથી રોપાયું હતું.ઇતિહાસમાં ભલે આ વિગતની નોંધ ન લેવાઈ હોય પણ હકીકત છે કે.. દેશભરમાં ખળભળાટ મચાવનાર અને બ્રિટીશ સલ્તનતના પાયા હચમચાવી નાખવા સમર્થ સાબિત થએલ આ ક્રાંતિકારી સૂત્ર 'ભારત છોડો' ..  કચ્છી સપુત યુસુફ મહેરઅલીના દિમાગની પેદાશ છે.(ભુજમાં વાણીયાવાડ પાસે હમેશાં ભરચક રહેતો ..'મહેરઅલી ચોક'.. એમની સ્મૃતિને વાગોળતો રહે છે.)



તેમણે મહાત્મા ગાંધીજીને એ સૂત્ર સૂચવ્યું ને એ સૂત્ર સાંભળતાં જ ગાંધીજીને ગમી ગયું..આમ પણ ગાંધીજી ચળવળનાં અસરકારક સૂત્રની શોધમાં તો હતા જ ત્યાં આ સુંદર પ્રેરક સૂત્ર મળી જતાં તેમણે ચળવળનાં મુખ્ય સૂત્ર તરીકે સહર્ષ સ્વીકારી લીધું.આ વિગતને પ્રવીણભાઈ શેઠ અને સુભાષભાઈ સંપટે પણ એક સમયે પોતાની કોલમમાં સ્થાન આપ્યું હતું.અને એ રીતે કચ્છનું ગૌરવ વધાર્યું હતું.



આઝાદી માટેની છેલ્લી સફળ રાષ્ટ્રીય ચળવળ માટે એક કચ્છીએ અસરકારક મુખ્ય સૂત્ર આપ્યું હતું એ જાણીને સૌની છાતી ગજગજ ફૂલે એમાં નવાઈ નથી.

ચળવળને શક્તિશાળી બનાવવા કચ્છી સપુત સૂરજી વલ્લભદાસનાં 'કચ્છ કેસલ' નામનાં મકાનમાં છૂપી સભાઓ પણ મળતી. કચ્છના દાનવીર શેઠ ગોકળદાસ તેજપાળ બોર્ડિંગનાં સદભાગી મકાનમાં -ઈ.સ.૧૮૮૫ ડિસેમ્બરના અંતમાં જ્યાં 'ઇન્ડિયન નેશનલ કોંગ્રસ'ની સ્થાપના થઇ હતી એ જ બોર્ડિંગનાં પ્રાંગણમાંથી કચ્છી સપુત મુંબઈના મેયર યુસુફ મહેરઅલીએ સૂચવેલ સૂત્ર 'ભારત છોડો'..દ્વારા અંગ્રેજ સરકારને પડકાર ફેંકવામાં આવ્યો હતો એ મેદાન પણ કચ્છી દાનવીરનું હતું...



બીજા દિવસે ૯મી ઓગસ્ટ,૧૯૪૨નાં કચ્છી પ્રજાકીય પરિષદના પ્રમુખ અને મુંબઈના તત્કાલીન મેયર યુસુફ મહેરઅલી,મુંબઈ પ્રાંતીય મહાસભાના ખજાનચી ભવાનજી અરજણ ખીમજી ..સહિત ઘણા રાષ્ટ્રીય નેતાઓની ધરપકડ થઇ.એના વિરોધમાં દેશભરમાં લોક જુવાળ ભભૂકી ઉઠ્યો.સર્વત્ર તોફાનો ફાટી નીકળ્યાં.લોકોએ સરકારી મિલકતોને નુકસાન પહોંચાડ્યું ધરપકડના બીજા તબક્કામાં કચ્છી પ્રજાકીય પરિષદના મંત્રી નરભેરામ નરસિંહદાસ સંપટ..ની પણ ધરપકડ થઇ. આઝાદીની ઉત્કટ ઝંખનાને વિખેરવા એ દિને મુંબઈમાં પ્રથમ વખત અશ્રુવાયુ છોડવામાં આવ્યો હતો.લાઠી ચાર્જ પણ થયો હતો.



ઓગસ્ટ ક્રાંતિ અને કચ્છ' 'જય કચ્છ'..



વર્તમાનપત્રોની સ્વતંત્રતા ઝૂટવાતાં કેટલાંક છાપાં બંધ થઇ ગયાં. કચ્છનું સૌથી જૂનું અખબાર 'જય કચ્છ' એ વખતે મુંબઈથી પ્રગટ થતું પન્નાલાલ ટેરેસીસ,ગ્રાન્ટરોડમાં એનું કાર્યાલય હતું...અખબારી સ્વાતંત્ર્ય પર તરાપ લાગતાં,જય કચ્છ' બંધ તો ન થયું પણ એમાં 'મૌન વિરોધ' આ રીતે પ્રગટ થતો રહ્યો.તા.૧૫.૦૮.૪૨ થી થી તા.૩૧.૧૦.૪૨ સુધીના 'જય કચ્છ'ના તમામ અંકોના અગ્રલેખોમાં ફક્ત એક સરખું સૂચક વેધક લખાણ છપાતું..

"નેતાઓની ગિરફ્તારી, અખબારી સ્વાતંત્ર્ય પર તરાપ, કડકમાં કડક દમનનાં પગલાં”

'જય કચ્છ'ને ઘણા મહિનાઓથી, યુદ્ધને લગતી આખાં પાનાંની જાહેરાતો તા.૧૫.૦૮.૪૨થી છાપવી બંધ કરી,પૈસાની લાલચને ઠુકરાવી પ્રજાનો જુસ્સો વધાર્યો હતો .પત્રકારત્વની ગરિમા જાળવી રાખી હતી. 'જય હિન્દ' 'જય કચ્છ'



સ્થાનિકે કચ્છમાં ક્રાંતિનો પડઘો પડ્યો હતો.



કચ્છમાં તો ૨૬મી જાન્યુઆરી,૧૯૪૨નાં દિવસે જ .'જવાબદાર રાજ તંત્રદિન'.. ઉજવાયો હતો.ઓગસ્ટ ક્રાંતિમાં કચ્છના ફાળા સંદર્ભે આ ઘટના પણ ભૂલવા જેવી નથી. એ દિને ભુજમાં 'હરિજન છાત્રાલય' ચોકમાં કચ્છી પ્રજાકીય પરિષદ તરફથી શહેરીજનોની બહોળી સંખ્યા વચ્ચે મળેલ બેઠકનું પ્રમુખ સ્થાન ગુલાબશંકરભાઈ ધોળકિયાએ સંભાળ્યું હતું.તેમને જુસ્સાદાર પ્રવચન આપ્યું હતું.'જવાબદાર રાજતંત્ર'ની પ્રતિજ્ઞાનો ઠરાવ શ્રી તુલસીદાસ મૂળજી શેઠે રજુ કરતાં,વકીલ ગોપાલજી ઉમરશી,ગોપાલજી શિણાઈ,મનસુખ ગઢવી ..વ. એ ટેકો આપ્યો હતો.કવિ અબ્દ 'ભક્ત કદ્વાજી'એ કચ્છી કવિતા દ્વારા ટેકો જાહેર કર્યો હતો.



કચ્છમાં ઠેર ઠેર જાહેરસભા



મુંબઈમાં 'ક્રાંતિ'ના નેતાઓની ધરપકડ થઇ એના વિરોધમાં ભુજમાં કચ્છી પ્રજાકીય પરિષદ અને વેપારીઓના સહયોગથી મહાદેવ નાકાં પાસે સાંજે સાડા છ વાગ્યે નગરશેઠ સાકરચંદ પાનાચંદનાં પ્રમુખપદે જનસભા મળી હતી.જેમાં ચારેક હજારની હાજરી હતી.મોહનલાલ શાહે પ્રમુખસ્થાન માટે મુકેલી દરખાસ્તને જયરામ વિશ્રામે અનુમોદન આપ્યું હતું.. સભામાં સર્વ સરી ટી.એમ.શેઠ,ગુલાબશંકર ધોળકિયા, રસિકલાલ જે.જોશી,શૂરજી ઉમરશી ભાનુશાળી..વ..એ જુસ્સાદાર વક્તવ્યોઆપ્યાં હતાં.અને જન જાગૃતિ આણી હતી.ભુજ ઉપરાંત અંજાર,મુન્દ્રા,માંડવી સાથે ઘણા ગ્રામ્ય વિસ્તારોમાં પણ જાહેર સભાઓ,હડતાળ, જેવા કાર્યક્રમો યોજાયા હતા.



મુન્દ્રામાં વિદ્યાર્થીઓની ધરપકડ-સજા....

મુન્દ્રા હાઈસ્કૂલના વિદ્યાર્થીઓએ પણ લડત ઉપાડી હતી.પરિણામે વિદ્યાર્થી નાનાલાલ ફોફળીયા અને બીજા એક વિદ્યાર્થીની ધરપકડ થઇ હતી.અને..'ગેરકાયદે પ્રવૃત્તિ કરવા' .. બદલ એ વિદ્યાર્થીઓ પર કેસ ચાલ્યો હતો અને એ બન્નેને નવ માસની સજા થઇ હતી.



આમ,રાષ્ટ્રીય પ્રવાહથી કચ્છ જિલ્લો અળગો રહ્યો હોવાની છાપ આ લેખ થકી ખોટી પડે છે.



ચળવળની અસર..પાંચ જ વર્ષમાં અંગ્રેજો ઉચાળા ભરી ગયા...!

Important:-For better result always use google cromeNote:-Please Always Check and Conform Above Details with The Official Website and Advertisement / Notification.

0 Comments:

Labels