Education for Every

દેવર્ષિ નારદ

દેવર્ષિ નારદ 

નારાયણ......નારાયણ......!!! 





 નારાયણ......નારાયણ......!!! 

આજે દેવર્ષિ નારદજીની જયંતી. તેઓ ત્રણે લોકમાં મુક્ત રીતે વિચરતા હોવાથી ત્રિલોકસંચારિ તરીકે પણ પ્રસિદ્ધ છે અને એટલે જ તેઓ આ પૃથ્વી ઉપરના સૌથી પ્રથમ સમર્થ પત્રકાર તથા સંવાદદાતા ગણાય છે.

.

દેવર્ષિ નારદ એક એવું ચર્ચાસ્પદ પાત્ર છે કે કોઈ પણ ખટપટીયા માણસને આપણે “નારદ” કે “નારદવેડા કરે છે” એમ કહીએ છીએ પણ નારદજીની મહાનતા ખુદ ભગવાન શ્રીકૃષ્ણએ વખાણી છે. નારદજીને ‘શ્રીમદ્ ભાગવત’માં ખુદ ભગવાન શ્રીકૃષ્ણ તેમને “જ્ઞાનીઓમાં શ્રેષ્ઠ” ગણાવે છે. તો મહાભારતમાં ‘સભાપર્વ’માં ભગવાન શ્રીકૃષ્ણ તેમને ‘દેવર્ષિ’ની પદવી આપે છે. નારદજી વિશે ‘નારદ પુરાણ’ લખાયું છે જેમાં ‘નારદ માહાત્મ્ય’ કહેવામાં આવ્યું છે. નારદજી દ્વારા કહેવામાં આવેલા ‘ભક્તિસૂત્ર’ ભક્તને ભગવાન તરફ જવાનો રસ્તો અને આ લોકમાં તમામ સુખ ભોગવવાના રસ્તા બતાવે છે. નારદજી સાથે કૃષ્ણાવતારમાં ભગવાને કરેલી કેટલીક રસપ્રદ લીલાઓ ‘સ્કંદપુરાણ’, ‘મત્સ્યપુરાણ’ અને ‘શ્રીમદ ભાગવત’માં જોવા મળે છે. નારદજી વિવેકશીલ જ્ઞાની અને વિદુષક તરીકે પણ આપણી સામે આવે છે. આ માટે તે બની જાય છે ભારતીય શાસ્ત્રોનું અને જનમાનસનું રસપ્રદ પાત્ર.

--------------------------------------------

પત્રકાર તરીકેના “રોલ”માં દેવર્ષિ નારદ

--------------------------------------------

નારદ એ વિશ્વના સૌથી પહેલા પત્રકાર છે. એ વૃત્તાંત નિવેદક છે. તેઓ જે આમાન્યા રાખતા તે આજના મીડિયાએ સમજવા જેવી છે. ખબર આપવાનું જે ધોરણ એમણે સ્વીકાર્યું હતું એ ખૂબ ઊંચું હતું. એનું એક ઉદાહરણ જોઈએ. રાવણ જ્યારે પુષ્પક વિમાનમાં બેસીને સંહાર કરતો હતો ત્યારે નારદે ત્યાં જઈને એને ઉકસાવ્યો. એમણે કહ્યું કે : ‘અલ્યા, મૃત્યુલોકના આ પરચુરણ માનવીઓ તો આમેય મરવાના જ છે. એને મારીને તને શું ફાયદો ? એમાં કંઈ તારી બહાદુરી ના દેખાય. અહીં પૃથ્વી પર તો બધા ‘ટેમ્પરરી’ છે. કાયમ તો એ લોકો યમલોકમાં રહે છે. ત્યાં તારું કશું ચાલશે નહિ કારણ કે ત્યાં યમ બેસે છે.’ રાવણ કહે “એમ ? જોઉં ત્યારે યમલોકને”. રાવણ તો ઉપડ્યો. આમ વૃત્તાંત નિવેદક તરીકે નારદે પૃથ્વીલોકને બચાવવા આખું ડાયવર્ઝન આપી દીધું.

.

આ વૃત્તાંતનિવેદકનું કેવું સરસ કામ છે. આ નારદ છે. ક્યાં અટકવું એ એમને ખબર છે. ક્યાં વ્યકિત કલ્યાણ અને સમાજ કલ્યાણની ગાથા કરવી અને કેવી રીતે કરવી તે નારદને ખબર છે. આજના મીડિયાને આવી ખબર છે કે નહીં એ તો સૌ જાણે જ છે. નારદની આ પત્રકાર તરીકેની એટલે કે વૃત્તાંત નિવેદક તરીકેની આ ઊંચાઈ છે. આપત્તિને અવસરમાં ફેરવી નાખવાની કળા વૃત્તાંત નિવેદક તરીકે નારદમાં હતી. નારદ હવામાંના ઓકિસજનની જેમ પ્રાણવાયુ પૂરો પાડવાનું કામ કરે છે અને ક્લોરિન વાયુની જેમ વૃત્તાંત નિવેદક તરીકે વિકારોની શુદ્ધિ કરે છે.

-----------------------------------

શું દેવર્ષિ નારદ “કલહપ્રિય” છે?

-----------------------------------

જે બહુ આપણી સાથે રહે, આપણી સાથે હળીમળી જાય એટલે એ આપણને આપણા જેવા લાગે. એમની મહત્તા ભૂલાઈ જાય. એને કારણે આપણે એમના વિશે મન ફાવે એવી વાતો જોડવા માંડીએ. નારદ એટલે તો જાણે કલહપ્રિય એવું ચિત્રિત કરવામાં આવ્યું. હા, એ વાત કબૂલ કે નારદે એકની વાત બીજાને કરી છે. એમાં ના નહીં પરંતુ એની પાછળનો હેતુ તમે જોશો તો બંને પક્ષનું કલ્યાણ કરવાનો હશે. બંનેને ઝઘડો કરાવીને એનો રસ મેળવવાનો નહિ. નારદ દેવર્ષિ છે. એવો અધમ આનંદ મેળવવાની ઈચ્છા રાખે એવા એ ક્યારેય નથી.

.

નારદ વિષે આપણી ભાષામાં એક ખોટો શબ્દ પ્રચલિત થયો છે : ‘નારદવેડા’. મધ્યકાલીન લોકો નારદના પાત્રથી મનોરંજન કરવા લાગ્યા એટલે તેમાં રહેલું મૂળ તત્વ ભૂલાઈ ગયું અને પરિણામે આવા ખોટા શબ્દો ઘૂસી ગયા. નારદ ધારે તો શ્રાપ આપી શકે પણ એ તો હસીને કહે છે કે “બેટાઓ, મારે ભોગે પણ તમે જો સુખી થાઓ છો તો ભલે થાવ”. એમને કોઈ ફરિયાદ નથી. એ તો આપણું જ દુર્ભાગ્ય છે કે આપણે એમને મજાકમાં ખપાવી દઈએ છીએ.

.

જગતમાં ભલા ભોળા, નિખાલસ અને સજ્જ્ન માણસો હોય એને જ છેતરાય. એની જ બધા ફિલ્મ ઉતારે તો નારદની ઉતારે એમાં નવાઈ શું? આ તો જગતનો નિયમ જ છે. બાકી નારદ એટલા બધા નિખાલસ છે કે છેતરાઈ જાય. લોકો એમની ઉડાવે તો પણ શાંત રહે.

.

ઓશો કહેતા કે નારદ નિરહંકારી હતા. એમને લોકનિંદાનો સ્વીકાર પણ સહજતાથી કર્યો. નારદે પોતાની જાતને સંપૂર્ણ રીતે પરમાત્માને સમર્પિત કરી દીધી હતી એ વાત કોઈ સમજી શક્યું નહિ એટલે આવા નાટકોમાં લોકો એમની ઠેકડી ઉડાડે છે. નારદ પોતાને ભોગે એ નાટકોને શણગારે છે. કેવું મહાન “કલહપ્રિય” ચરિત્ર...!!! વાહ... દુનિયા...વાહ...!!!

-----------------------------------

ભક્તના “રોલ”માં દેવર્ષિ નારદ

-----------------------------------

નારાયણનું સ્મરણ કરતાં નારદ યાદ આવે અને નારદનું સ્મરણ કરતાં નારાયણ યાદ આવે એવું મધુરાદ્વૈત બહુ ઓછા ભક્તોમાં જોવા મળે છે. ‘નારા’ શબ્દનો અર્થ છે પાણી, એટલે કે પ્રેમજળ. શ્રી હરિરૂપી સરોવરનું પ્રેમજળ જે બધે વહેવડાવે તે નારદ. ઈશ્વરની કૃપાને આપણા સુધી પહોંચાડે. એ કોઈ જેવી તેવી વ્યક્તિ નથી. અસ્તિત્વનો એક આહલાદક ઉન્મેષ એટલે નારદ.

.

એક ભાગવતકથાકારે ‘નારદ’ શબ્દની સરસ વ્યાખ્યા કરી હતી કે : ના+રદ. જે કંઈ રદ કરતા નથી એનું નામ નારદ. એમની પાસે બધાનો જ સ્વીકાર. તમે એમને આદર આપો તોય સ્વીકારે, તમે એમની મજાક ઉડાવો તોય સ્વીકારે.’

.

તેવી જ રીતે સ્વામી અખંડનાદ સરસ્વતી કહે છે કે મનુષ્યના હૃદયમાં જે અજ્ઞાન છે એને ‘નાર’ કહેવામાં આવે છે. જે આ અજ્ઞાનને મિટાવી દે અને એનો નાશ કરી દે તે ‘નારદ’. 

સ્થૂળ અને સુક્ષ્મને જો કોઈ જોડતું બિંદુ હોય તો એ નારદ છે.” તે એક સેતુ છે જે વૈકુંઠ અને સ્વર્ગને મૃત્યુલોક સાથે જોડે છે. નારદ એ મોબાઈલ બ્રિજ છે. અને એવો તો ટ્રાન્સ્પરન્ટ બ્રિજ છે કે તમે એની સોંસરવા નીકળી જાઓ એટલે સીધા ભગવાનને જ પ્રાપ્ત થઈ જાઓ. દેવો, અસૂરો, માનવો – આથી જ બધાંને નારદ પ્રિય છે.

.

તેઓ સર્વજનના લાડકા મુનિ છે. 

એમની પાસે સૌથી અદ્દભુત કલા હોય તો એ છે સમાધાન કરાવવાની. મોટી કંપનીમાં જેમ ‘ટ્રબલશુટર’ની પોસ્ટ હોય છે તેમ નારદ એ વિશ્વવ્યાપી ‘ટ્રબલશુટર’ છે. ગમે તેનું દુ:ખ દુર કરવા તત્પર એવા પરદુ:ખભંજન છે. ધરતીના લોકોના દુ:ખની નોંધ કરી ભગવાન પાસે જાય અને ભગવાન પાસેથી તેનો ઉકેલ મેળવી તેમની વાત ધરતીના લોકોને સમજાવે – એવા મનુષ્યના સર્વકાળના નિ:સ્પૃહી મિત્ર નારદ છે. એમને કશું જોઈતું નથી. નારદને કેવળ કરુણાને કારણે દુ:ખ દૂર કરવાની સતત ચિંતા રહે છે.

----------------------------

અંતમાં નારદ ભક્તિસૂત્ર

----------------------------

જે સાધકે ભક્તિ રૂપી અમૃતનું પાન કર્યું છે તે કેવો હોય છે તે વર્ણવતાં ભક્તિસૂત્રમાં નારદ કહે છેઃ

‘यल्लब्ध्वा पूमान् सिद्धो भवति, अमृतो भवति, तृप्तो भवति’ 

(નારદ ભક્તિસૂત્ર ૪)

અહીં ‘सिद्ध’ એટલે જેને પતંજલિ મુનિએ અષ્ટસિદ્ધિ કહી છે તે નહીં, પરંતુ ઇચ્છિત ધ્યેયપ્રાપ્તિ. આ સૌ પ્રાપ્ત કર્યા બાદ બીજું મેળવવાનું શું રહે છે? સાચો સંતોષ - વાસના મટે અને કોઈપણ વસ્તુની ઇચ્છા મટે - પછી જ આવે કારણ કે વાસના નિર્મૂળ થાય પછી જ આંતરતત્વ જાગે. અને અંત:તત્વ જાગી સાધક ઈશ્વરમય બને પછી એને મેળવવાનું શું બાકી રહે? પછી તો ગીતા કહે છે તેમ “यं लब्ध्वा चापरम् लाभम् मन्यते नाधिकं ततः” એટલે કે એ પછી એને કોઈ પણ પ્રકારની પ્રાપ્તિની ઝંખના રહેતી નથી. પછી તો ભક્ત “मत्तो भवति, स्तब्धो भवति, आत्मारामो भवति,” એટલે કે એ ભક્ત એક અનુપમ મસ્તીમાં આવી, સ્તબ્ધ થઈ, ‘આત્મ’માં રમમાણ થઈ જાય છે. એને સર્વ કાંઈ પ્રભુમય લાગે છે.

.

Desirelessness promotes devotion.

ભક્તિસૂત્રમાં નારદ કહે છે:

‘सा तु कर्म-ज्ञान-योगेभ्योऽपि अधिकतरा’ 

(નારદ ભક્તિસૂત્ર ૨૫)

આવી ભક્તિ કર્મ, જ્ઞાન કે યોગ કરતાં પણ વિશેષ છે કારણ કે પછી તો એને સર્વ કાંઈ પ્રભુમય લાગે છે. આવી ભક્તિ પ્રાપ્ત શી રીતે થાય?

.

ભક્ત નારદ કહે છે તેમ વિષયનો ત્યાગ કરીને, ભજનમાં અખંડિત રીતે ગુલતાન રહીને, ભગવાનના ગુણનું શ્રવણ-કીર્તન કરતાં રહી અને આ સૌ સાથે ઈશ્વરની પરમ કૃપા પ્રાપ્ત કરીને પ્રભુમય બનીએ ત્યારે આપણામાં આવી ભક્તિ પરિપ્લાવિત થાય.

.

અને છેવટે દેવર્ષિ નારદના જ શબ્દોમાં કહીશું :

‘तदेव साध्यतां, तदेव साध्यताम्’

(નારદ ભક્તિસૂત્ર ૪૨)

ચાલો, આપણે સૌ પ્રભુ પાસે લઈ જતી પવિત્ર ભક્તિને પ્રાપ્ત કરીએ અને એની જ પ્રાપ્તિમાં રત બની જઈએ.


Important:-For better result always use google cromeNote:-Please Always Check and Conform Above Details with The Official Website and Advertisement / Notification.

0 Comments:

Labels